Close

કલેકટરશ્રી સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફારન્સ યોજાઇ

પ્રજાસત્તાક દિવસની ઉજવણી પ્રસંગે સમગ્ર બનાસકાંઠા જીલ્‍લામાં જામી રહેલ આનંદ, ઉત્‍સવ અને હર્ષનો માહોલ.

(માહિતી બ્યુરો,પાલનપુર)

          આગામી તા. ૨૬ મી જાન્‍યુઆરી-૨૦૧૯, પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી બનાસકાંઠા જિલ્‍લાના પાલનપુર ખાતે ભવ્‍યતાથી શાનદાર રીતે યોજાશે. ઉલ્‍લેખનીય છે કે આ મહાન રાષ્‍ટ્રીય પર્વની ઉજવણી આનંદ, ઉત્‍સાહ અને હર્ષપૂર્વક યોજાય તે માટે કલેકટરશ્રી સંદીપ સાગલેની સુચના અને માર્ગદર્શન અનુસાર જીલ્‍લા વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. સમગ્ર જીલ્‍લામાં આ પ્રસંગે યોજાઇ રહેલ વિવિધ કાર્યક્રમો, સ્‍વચ્‍છતા ઝુંબેશ, રસ્તા મરામત, રોશની, રંગરોગાન અને વિવિધ સ્થળોની સજાવટથી જિલ્લાભરમાં દેશભક્તિના માહોલની જમાવટ થઇ રહી છે.

         પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે સમગ્ર જિલ્લામાં હાથ ધરાયેલ તૈયારીઓ અને આયોજન અંગે મિડીયાને માહિતી આપવા પાલનપુર ખાતે કલેકટરશ્રી સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં કલેકટરશ્રીએ જણાવ્યું કે વિવિધ તૈયારીઓ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ૧૮ જેટલી સમિતિઓ બનાવવામાં આવી છે તેમજ રોજે રોજ કામગીરીની સમીક્ષા અને મોનીટરીંગ કરવામાં આવે છે. તા. ૭ થી ૨૪ જાન્યુઆરી સુધી વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવી રહી છે તેની કલેકટરશ્રીએ વિગતો આપી હતી.

          કલેકટરશ્રીએ કહ્યું કે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ તા. ૨૫ જાન્યુઆરીના રોજ પાલનપુર ખાતે જી.ડી.મોદી કોલેજમાં એટ હોમ કાર્યક્રમ યોજાશે. જેમાં માન. રાજયપાલશ્રી અને માન. મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવો જિલ્લાના અગ્રણીઓ, નાગરિકો વગેરેને શુભેચ્છાઓ પાઠશે. તેમણે કહ્યું કે તા. ૨૫ જાન્યુઆરીના રોજ સાંજે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે વિશિષ્‍ઠ વ્યક્તિઓનું સન્માન પણ કરવામાં આવશે. કલેકટરશ્રીએ કહ્યું કે તા. ૨૬ જાન્યુઆરી, પ્રજાસત્તાક દિવસે સવારે ધ્વજવંદનનો મુખ્ય કાર્યક્રમ પાલનપુર- દાંતા – અંબાજી હાઇવે રોડ પર ધનિયાણા ચોકડી પાસે આવેલ રામપુરા મેદાનમાં યોજાશે. તા. ૨૨ અને ૨૩ જાન્યુ. ના રોજ પાલનપુરના વિવિધ વિસ્તારોમાં અર્બન ગલી અંતર્ગત કાર્યક્રમો યોજાશે. જેમાં નાગરિકો અને બાળકો વિસરાયેલી રમતોમાં ભાગ લેશે. પ્રજાસત્તાક દિવસની રાજય કક્ષાની ઉજવણી પ્રસંગે વિવિધ વિભાગો દ્વારા કુલ રૂ. ૧૯૬.૬૭ કરોડના ખર્ચે હાથ ધરાયેલ કુલ ૫૧૯ વિકાસકામોનું જિલ્‍લાના તમામ તાલુકાઓમાં લોકાર્પણ અને ખાતમુર્હૂત કરવામાં આવશે તેમ કલેકટરશ્રીએ જણાવ્યું હતું.

કલેકટરશ્રી સંદીપ સાગલેના અધ્ય ક્ષસ્થાાને પ્રેસ કોન્ફારન્સ
17 Jan 2019