બંધ

પાલનપુર ખાતે કલેકટરશ્રી સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને સુરક્ષા સેતુ દિવસની ઉજવણી કરાઇ

(માહિતી બ્યુરો,પાલનપુર)

          આગામી તા. ૨૬ જાન્‍યુઆરી-૨૦૧૯, રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની બનાસકાંઠા જિલ્‍લાના પાલનપુર ખાતે શાનદાર ઉજવણી થવાની છે. રાજય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત જિલ્‍લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત તા. ૧૧ જાન્‍યુઆરીના રોજ પોલીસ વિભાગ દ્વારા પાલનપુર પોલીસ હેડકવાર્ટર ખાતે કલેકટરશ્રી સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને સુરક્ષા સેતુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

          આ પ્રસંગે કલેકટરશ્રી સંદીપ સાગલએ જણાવ્યું કે આપણા બનાસકાંઠા જિલ્લામાં ૨૬ મી જાન્યુઆરીની રાજકક્ષાની ઉજવણી થઇ રહી છે તેમાં ઉત્સાહભેર જોડાઇ આ રાષ્‍ટ્રીય મહાપર્વની શાનદાર ઉજવણી કરીએ. તેમણે કહ્યું કે બાળકોને સુરક્ષા અને ટ્રાફિક નિયમોની જાણકારી આપી તેમને સલામતીથી માહિતગાર કરીએ. પોલીસ અધિક્ષકશ્રી પ્રદીપ સેજુલે જણાવ્યું કે સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા સ્ટુડન્ટ પોલીસ કેડેટસના વિધાર્થીઓને સુરક્ષા અંગેની વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને મોટર સાયકલ ચલાવતી વખતે ફરજીયાત હેલ્મેટ પહેરવા અપીલ કરી હતી.  આ પ્રસંગે વિધાર્થીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અંગેના સપથ લેવડાવવામાં આવ્યા હતાં.

          આ ઉજવણી પ્રસંગે સવારે ૮-૦૦ થી ૧૦-૦૦ વાગ્‍યા દરમિયાન પાલનપુર શહેરમાં પ્રભાતફેરી યોજાઇ હતી. જેમાં પોલીસ અને ફોરેસ્‍ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ, હોમગાર્ડ અને જી.આર.ડી. ના સભ્‍યો, બેન્‍ડ શાખાના સભ્‍યો બેન્‍ડ સાથે તથા એસ.પી.સી. કેડેટસ સારી સંખ્યામાં જોડાયા હતાં. રેલી પોલીસ હેડકવાર્ટર પરેડ ગ્રાઉન્‍ડથી નિકળી સરસ્‍વતી માતાના પુતળા- ગઠામણ ગેટ- ગુરૂનાનક ચોક- અમીરરોડ- ગઠામણ ગેટ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરી  પોલીસ હેડકવાર્ટર પરત ફરી હતી.

         સવારે- ૧૦-૩૦ થી ૧૨-૩૦ દરમિયાન પોલીસ હેડ કવાર્ટર ખાતે વિવિધ શો યોજાયા હતા. જેમાં ડોગ શો, હોર્સ શો, બીડીડીએસ ટીમની  કામગીરી, વિવિધ શો, ઇન્‍વેકીટ, હથકડી, મોબાઇલ સેફટી, ૧૮૧ અભયમ હેલ્‍પલાઇન, એએચટીયુ વગેરે. ૧૨-૩૦ થી ૧૩-૦૦ દરમિયાન સ્‍ટેજ શોમાં ભવાઇ કાર્યક્રમ (બેટી બચાવો/ ભણાવો, નશાબંધી વિશે.) ૧૩-૩૦ થી ૧૫-૩૦ પોલીસ હેડ કવાર્ટર ખાતે શસ્‍ત્ર પ્રદર્શન યોજાયું હતું. જેમાં વિવિધ પ્રકારના શસ્‍ત્રોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

          આ પ્રસંગે પાલનપુર નગરપાલિકાના પ્રમુખશ્રી અશોકભાઇ ઠાકોર, નાયબ વન સંરક્ષકશ્રી ર્ડા. જી. એસ. સિંઘ, સદ્દભાવના ગ્રુપના ચેરમેનશ્રી હરેશભાઇ ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.એ.ચાવડા સહિત પોલીસ વિભાગના અધિકારીઓ, પોલીસ જવાનો અને સારી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી અંતર્ગત
11 Jan 2019