બંધ

પાલનપુર ખાતે કલેકટરશ્રી સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને નગરપાલિકાના પદાધિકારીઓની બેઠક યોજાઇ

(માહિતી બ્યુરો,પાલનપુર)

          આગામી તા.૨૬ જાન્‍યુઆરી-૨૦૧૯, રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની બનાસકાંઠા જિલ્‍લાના પાલનપુર ખાતે શાનદાર ઉજવણી થવાની છે. રાજય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત પાલનપુર નગરપાલિકાના સભાખંડમાં કલેકટરશ્રી સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને નગરપાલિકાના પદાધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.

          આ બેઠકમાં કલેકટરશ્રી સંદીપ સાગલએ જણાવ્યું કે આપણા બનાસકાંઠા જિલ્લામાં ૨૬ મી જાન્યુઆરીની રાજકક્ષાની ઉજવણી થઇ રહી છે તેમાં ઉત્સાહભેર જોડાઇ આ રાષ્‍ટ્રીય મહાપર્વની શાનદાર ઉજવણી કરીએ. તેમણે સ્વચ્છતા પર ભાર મુકતાં કહ્યું કે વિશાળપાયે સફાઇનું કામ કરી આપણા શહેર પાલનપુરને સ્વચ્છ, સુંદર અને રળીયામણું બનાવીએ. કલેકટરશ્રીએ કહ્યું કે લોકોની રજુઆતોને ધ્યાનથી સાંભળી શક્ય તેટલી ઝડપથી તેનું નિરાકરણ લાવીએ. તેમણે જાહેર રસ્તાઓ પરના ટ્રાફિકને નડતા દબાણો દૂર કરવા જણાવ્યું હતું. પાલનપુર શહેરને રોશનીથી ઝળહળતું કરવા કલેકટરશ્રીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે તા. ૨૫ અને ૨૬ જાન્યુઆરીના રોજ વિવિધ કાર્યક્રમો યોજાવાના છે. તા. ૨૫ ના રોજ જી. ડી. મોદી કોલેજ ખાતે માન. રાજયપાલશ્રી અને માન. મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં એટ હોમ કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ સાંજે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સાંસ્કૃતિ કાર્યક્રમ યોજાશે. તા. ૨૬ જાન્યુઆરીના રોજ દાંતા- અંબાજી રોડ પર આવેલ ધનિયાણા ચોકડી પાસેના રામપુરા મેદાનમાં રાજયકક્ષાનો મુખ્ય ધ્વજવંદન સમારોહ યોજાશે. આ ઉપરાંત જિલ્લાભરમાં વિકાસકામોના લોકાર્પણ અને ખાતમૂર્હત સહિતના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે.  

            કલેકટરશ્રીએ કહ્યું કે આપણા પાલનપુર શહેરમાં પ્રજાસત્તાક પર્વના રાજયઉત્સવની ઉજવણી થઇ રહી છે ત્યારે આ શહેરને પ્‍લાસ્ટિક ફ્રી, સ્વચ્છ અને સુંદર બનાવીએ. તેમણે નગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓને કહ્યું કે આ પ્રસંગે આપણે એવી સુંદર કામગીરી કરીએ કે સમગ્ર રાજયમાં આ કામગીરી વખણાય. તેમણે કહ્યું કે આવો.. આપણે સૌ સાથે મળી પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરીએ..

          આ પ્રસંગે પાલનપુર નગરપાલિકાના પ્રમુખશ્રી અશોકભાઇ ઠાકોર, ઉપપ્રમુખ શ્રીમીતી હેતલબેન રાવલ, ભાજપ શહેર પ્રમુખશ્રી મુન્નાભાઇ ગુપ્‍તા, શ્રી રાજુભાઇ ડાભી, મહામંત્રીશ્રી અતુલભાઇ જોષી, ચીફ ઓફિસરશ્રી પંકજ બારોટ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ અને નગરપાલિકાના સભ્યશ્રીઓ  ઉપસ્થિત રહ્યા હતાં.

15 Jan 2019