પ્રાચીન સમયથી મામલતદારની કચેરીને મહત્વનો દરજ્જો મળેલ છે. મામલતદાર શબ્દ મુળ અરેબિક શબ્દ “મુઆમલા” પરથી ઉતરી આવેલ છે. “મામલો” એટલે ગુચવણભરી બાબત કે કિસ્સો અને આવી બાબત કે પ્રશ્નોનો ઊકેલ લાવનાર અધિકારી એટલે મામલતદાર. મામલતદાર સરેરાશ ૫૦ કે તેથી વધુ ગામોના સમુહના બનેલા તાલુકાના મહેસુલી વડા છે.
જમીન મહેસુલ અધિનિયમની કલમ- 12 મુજબ મામલતદારની નિમણુક રાજય સરકાર કરે છે. મામલતદારની નિમણુંક તેમજ ફરજો અને સત્તા વિશે નીચે મુજબ જોગવાઇ કરવામાં આવી છે.
મામલતદારની ફરજો અને સત્તાઓ
- તાલુકાનો મહેસુલી વહીવટ સંભાળવો તેમજ તાલુકાના મુખ્ય સંકલન કર્તા તરીકે ફરજો અદા કરવી.
- તાલુકાના મહેસુલી કર્મચારીઓની કામગીરી ઉપર દેખરેખ અને તપાસ.
- કોઇપણ મહેસુલી પ્રકરણનું ઉદગમસ્થાન મામલતદાર કચેરી છે.એટલે મહેસુલી પ્રકરણોનો વિગતવાર અહેવાલ અને દરખાસ્તો ઉપલી કચેરીને એવી રીતે તૈયાર કરીને મોકલવી કે જેથી કોઇપણ જાતની વળતી પ્રશ્નોત્તરી સિવાય પ્રકરણનો નિકાલ આવે અથવા નિર્ણય થાય.
- મામલતદાર જમીન દફતરનો સંરક્ષક (Custodian) છે. તેથી જમીન દફતરની જાળવણી અને સમયાંતરે તે અધતન કરવાની મુળભુત જવાબદારી છે. તથા મિલકતોની જાળવણી કરવાની તેની પ્રાથમિક અને મુળભુત જવાબદારી છે તથા પ્રજાની મિલ્કતો અંગેના હ્કકોનું અને તેને આધારે ઉભા થતા મહેસલી પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં મામલતદારની મહ્ત્વની ભુમિકા છે.
- સરકારી જમીનનોની જાળવણી કરવી અને આવી જમીનો ઉપર દબાણ ન થાય તેની સતત કાળજી લેવી.
- સરકારી લેણાંની વસુંલાત કરવી તેમજ સરકારી ઉપજની ચોરી થતી અટકાવવી.
- મામલતદારે કચેરીનો વહીવટ કરવાની સાથે ફેરણી/ ક્ષેત્રીય અધિકારી તરીકે જમીન મહેસુલનો વહીકવટ કરવાનો છે. દફતર/રેકર્ડની તપાસણી જેટ્લી અસરકારક હશે તેટલું તંત્ર કાર્યક્ષમ અને પ્રામાણિક બનશે.
- કચેરીનો વહીવટ હંમેશા કાયદાની જોગવાઇ તથા તે હેઠળના નિયમો તેમજ સરકારશ્રીની વખતો-વખતની સ્થાયી સુચનાઓ મુજબ થાય તે જોવાની મામલતદારની પ્રાથમિક ફરજ છે.
- કાયદાની જોગવાઇઓનો અમલ કરતી વખતે ઠરાવેલ પ્રક્રિયાનો ભંગ ન થાય તેમજ વહીવટી કામગીરી માટે કચેરી ની કાર્યપધ્ધતિનો અમલ ચુસ્ત રીતે થાય તે જોવાની જવાબદારી છે.